Tuesday, January 1, 2013

સપનાને કરીએ સંકલ્પથી સાકાર


કવર સ્ટોરી - તૃપ્તિ ભટ્ટ
આજથી ૨૦૧૩નો પ્રારંભ થઈ ગયો. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ સારું જાય તેવી ઇચ્છા સૌ કોઈની હોય છે. અધૂરાં રહેલાં સપનાં અને મનમાં રહેલી આકાંક્ષાને પાંખ આપવા આપણું મન આતુર હોય છે. સપનાંને પૂરાં કરવા સંકલ્પબળની જરૂર પડે છે, તો ચાલો, ૨૦૧૩માં મંગલ પ્રવેશ અવસરે એવા તેર સંકલ્પ કરીએ જેનાથી વિશ્વનિર્માત્રી, મલ્ટિ ટાસ્ક વુમન ગૃહ અને દાંપત્યજીવનની સાથે સમાજને પણ તેમના રચનાત્મક કાર્ય દ્વારા મધુરપથી ભરી દે
સમય સાથે જિંદગી પણ વીતતી જાય છે. દરેક ગુજરતી ઘડી યાદગાર બની જાય અને સ્મૃતિપટ પર સુખદ સ્મરણ અંકિત થઈ જાય તેવી ઇચ્છા દરેકની હોય છે. જોકે મહિલાઓ મોટાભાગે પોતાની ગૃહજીવનની જવાબદારીમાં એટલી ઓતપ્રોત બની જાય છે કે ક્યારેક તે તેની અંદર રહેલી અમુક ઇચ્છાઓને દબાવી દેતી હોય છે,તો ક્યારેક ફેમિલી અને પ્રોફેશનલ લાઇફ મેનેજ કરવામાં જાત સાથે અન્યાય પણ કરી બેસે છે. તો ચાલો, આ વર્ષે ઘર અને પરિવારના સભ્યો સાથે આપણી જાતને પણ પ્રેમ કરતા શીખીએ. નારીને કુદરતે સહનશીલતા, સંવેદનશીલતા અને શક્તિ સામર્થ્ય જેવા અનેક અલંકારોથી અલંકૃત કરી છે.
જો નારી ધારે તો કુદરતે આપેલ આ અલંકારોથી ગૃહજીવનની સાથે સમાજ અને પોતાના જીવનને પણ સુખદ સપનાંથી સાકાર કરી શકે છે. તો ૨૦૧૩માં એવા કયા તેર સંકલ્પ હોઈ શકે, જે આપણા જીવનની અધૂરપને સભરતાથી ભરી દે.
૧. દરેક ઘડીને મનભરીને જીવીશ
ઘણી વાર એવું બનતું હોય છે કે વર્ષોનાં વર્ષો વીતતાં જાય છે. ઉંમર પણ વધતી જાય છે, પરંતુ આપણે ગુજરતા સમયને મનભરીને જીવી શકતા નથી. જે ઘડીને, પળને માણી શકે છે તે જ જીવનને સાર્થક રીતે જીવી શકે છે, તો ગમે તેવા બિઝી શિડયૂલમાં દરેક પળને માણવાનું ન ભૂલશો. મલ્ટિ ટાસ્કિંગ કરતાં-કરતાં એક આ કાર્ય પણ કરવાનું છે કે ઓફિસ હોય કે ઘર, બાળકો સાથે હોવ કે લાઇફ પાર્ટનર સાથે, લાઇફની દરેક ઘડીને જીવો. ભારતનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન જેને આર્યન લેડીનું બિરૂદ મળ્યું હતું તે જ્યારે ઘરે જતાં ત્યારે તે દેશ અને દુનિયાનો ભાર ભૂલીને એક મા બનીને બાળક સાથે મનભરીને રમતાં. આ રીતે જીવનના દરેક મુકામને જીવવાની પણ એક અલગ મજા છે.
૨. જાતને નિમ્ન નહીં માનું
ક્યારેક કોઈ અન્ય વ્યક્તિ નહીં પણ આપણી જાત આપણાં દુઃખનું કારણ બની જતી હોય છે. આસપાસની મહિલાઓ બહુ ઉચ્ચ પદ પર કામ કરતી હોય, તેની કરિયરનો ગ્રાફ ઊંચો જતો હોય ત્યારે જો તમે માત્ર હાઉસવાઇફ હો અને તેમની તુલના તમારી સાથે કરશો તો લઘુતાગ્રંથિ આવી શકે છે. જાતને નિમ્ન માનીને દુઃખી થશો તો તમે જાતનો દ્રોહ કરો છો. તમે હોમમેકર છો. એક મકાન સ્ત્રીના સંવેદનશીલ સ્પર્શથી ઘર બને છે અને તમે તે બનાવી રહ્યાં છો, તો તમારા કામનું ગૌરવ લેવા સંકલ્પબદ્ધ થવું પણ અનિવાર્ય છે.
૩. જાતને અપડેટ રાખીશ
ઘર અને પ્રોફેશનલ વર્કમાં એટલું પણ ન રત થઈ જવું જોઈએ કે તમારી સ્થિતિ કૂવાના દેડકા જેવી થઈ જાય. કેટલીક મહિલાઓની સ્થિતિ એવી હોય છે કે તેને દેશ કે દુનિયામાં શું બની રહ્યું છે, દેશ કેવી સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો છે તેની કશી જ ખબર નથી હોતી. જીવનના દરેક રંગને માણવા, સમજવા માટે ફેશનના ટ્રેન્ડથી માંડીને બધા જ ફિલ્ડની માહિતી મેળવતા રહેવું જરૂરી છે.
૪. સકારાત્મક વિચારસરણી રાખીશ
નવા વર્ષે નવા પડકાર અને નવી મંજિલ તમારી રાહ જોતી હશે, તો તેની સાથે તમારી સામે એટલાં વિઘ્નો પણ હશે. નવા વર્ષમાં આવતી દરેક મુશ્કેલીને માત આપવા માટે પોઝિટિવ થિન્કિંગનો સાથ ક્યારેય નહીં છોડીએ એવો પણ એક સંકલ્પ કરીએ. આ વર્ષે હતાશાને દૂર રાખવા માટે સકારાત્મક વિચારસરણીની જ્યોત જિંદગીના દરેક મુકામે પ્રજ્જ્વલિત રાખીશું. આ સંકલ્પ જ જીવનને સુખ, સમૃદ્ધિ અને સભરતાથી ભરી શકે છે.
૫. બાળકો માટે આદર્શ બનીશ
પેરેન્ટિંગ એક બહુ મોટી જવાબદારી છે. બાળકની વર્તણૂકમાં તમારા વ્યક્તિત્વની છબી સ્પષ્ટ જોવા મળે છે, તેથી એક આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે આદર્શ પેરેન્ટિંગ પણ જરૂરી છે, તો આ વર્ષે પેરેન્ટિંગના સુધાર માટે એવું કોઈ વર્તન કે કોઈ કાર્ય ન કરીએ જે બાળકના વ્યક્તિત્વ માટે હાનિકારક હોય.
૬. શોખને જીવતો રાખીશ
શોખને પૂરા કરવાની અને તેને જીવવાની કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી. સ્ત્રીની લાઇફમાં ખાસ કરીને એવું બનતું હોય છે કે તે મેરેજ પહેલાં તો શોખને સારી રીતે જીવે છે, માણે છે, પણ મોટાભાગે મેરેજ બાદ શોખ ક્યાંક દફનાવી દેવામાં આવે છે, ત્યારે જો તમારી પણ કોઈ ગમતી પ્રવૃત્તિ છૂટી ગઈ હોય તો આ વર્ષે આ શોખને જીવંત રાખવાનો અને શોખને જીવવાનો સંકલ્પ ચોક્કસ લેશો. જિંદગી ફરી તરોતાજા થઈ જશે.
૭. લેટ ગો કરતા શીખીશ
ક્યારેક આપણે આપણા અહ્મને કારણે નાની-નાની જીદને વળગી રહીએ છીએ. નાની બાબતોને મનમાં રાખીને દલીલો કરીએ છીએ. તેના લીધે ઘરનો માહોલ બગડે છે. ઘરમાં કંકાશ થયા બાદ ચોક્કસ પસ્તાવો થાય છે કે આવું ન કર્યું હોત, થોડું લેટ ગો કર્યું હોત તો ઘરની શાંતિ જળવાઈ રહેત. તો અહ્મને ઓગાળીને લેટ ગો કરતા રહેવાથી પણ ઘરમાં સારો માહોલ ક્રિએટ કરી શકાશે.
૮. જાતને પ્રેમ કરીશ
સુખી થવાનો અને જીવનને સુંદર રીતે જીવવાનો આ એક બહુ જ કારગર મંત્ર છે. આત્મગૌરવની ભાવના તો જ આવશે જો તમે તમારી જાતને પ્રેમ કરશો. અન્યને પ્રેમ કરવામાં જાતને ચાહવાનું ન ભૂલી જતાં. જો જાતને પ્રેમ કરશો તો તમારી હેલ્થ પણ સારી રીતે જાળવી શકશો. તમે નાની-નાની બાબતોથી દુઃખી નહીં થાવ. જાતને પ્રેમ કરીશું તો કોઈ પણ વ્યક્તિ તમને હર્ટ નહીં કરી શકે. તમારી ખુશીની ચાવી તમે તમારી પાસે જ રાખી શકશો.
૯. હેલ્થ પ્રત્યે જાગૃત રહીશ
સ્ત્રી, બાળકો, પતિ, સાસુ, સસરા બધાંની બહુ સારી રીતે માવજત કરે છે. બધાંની હેલ્થનું ધ્યાન રાખીને રસોઈનું મેનુ નક્કી કરે છે, પણ તે પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ જ લાપરવા રહેતી હોય છે. તંદુરસ્ત શરીરમાં જ હેલ્ધી મન વસે છે, તેથી હેલ્ધી પેરેન્ટિંગ,હેલ્ધી દાંપત્યજીવન અને જીવનની દરેક પળને જીવંતતા સાથે માણવા માટે હેલ્થની કેર કરવા કટિબદ્ધ થવું જરૂરી છે, કારણ કે જીવનને સારી રીતે એન્જોય કરવા માટે હેલ્ધી હોવું જરૂરી છે.
૧૦. લાઇફ પાર્ટનરને
સમજવાનો પ્રયાસ કરી
જ્યારે શબ્દોથી એકબીજાની ફિલીંગને સમજાવવી ન પડે ત્યારે સમજવું કે આપણે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. વર્ષો સુધી સાથે રહેવા છતાં પણ ક્યારેક સંબંધોમાં આ પ્રકારની સમજણ અને સ્નેહનો સેતુ નથી બંધાતો, તો સંબંધને પ્રેમથી સીંચવાની સાથે આ પ્રકારની અરસપરસની સમજણ કેળવવાથી પણ સંબંધોને સમજવા સરળ બની જાય છે અને તેને જીવવાની મજા આવે છે.
૧૧. સ્ત્રીના સન્માન પ્રત્યે
જાગૃત રહીશ
સમાજમાં જ્યાં પણ સ્ત્રીના અસ્તિત્વનું અપમાન થતું હશે, ખોટા રીતરિવાજ અને માન્યતાના નામે કે ડાકણ, ચુડેલ જેવા ભ્રામક વહેમને લીધે સ્ત્રી પર અત્યાચાર થતો હશે તેના વિરોધ માટે હંમેશાં આગળ આવીશ. કોઈ પણ જાહેર સ્થળ પર યુવતીની છેડછાડની ઘટના થતી હશે તો મદદ માટે હંમેશાં આગળ આવીશ. મૂક શ્રોતા બનીને ક્યારેય આવી ઘટનાને સહી નહીં લઉં. આપનો આ સંકલ્પ સમાજમાં નારીને સન્માનનીય સ્થાન આપવામાં ચોક્કસ મદદગાર થઈ શકશે. 'ચેરિટી બિગિન્સ એટ હોમ' તમારી જાતનો સુધાર જ સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું એક પ્રથમ પગલું હશે.
૧૨. કન્યા ભ્રૂણહત્યાનો
વિરોધ કરીશ
સમાજ બહુ આધુનિક બની ગયો, પણ બાળકીને દૂધપીતી કરવાની સમાજની માનસિકતા આજે પણ નથી બદલાઈ, ત્યારે કન્યા ભ્રૂણહત્યાના કલંકને મટાડવા માટે હંમેશાં કટિબદ્ધ રહીશ. તે સંકલ્પ પણ આજના સમયની એક માગ છે. જો નારી તેના અસ્તિત્વને ગૌરવ અને સન્માનની દૃષ્ટિથી જોશે તો જ જડ થઈ ગયેલી સમાજની માન્યતાને બદલી શકાશે.
૧૩. જવાબદાર નાગરિક બનીશ
જે રીતે સ્ત્રી પોતાની કોમળ ભાવનાથી ઘર પરિવારને સંવારી દે છે તેવી જ રીતે નારી પોતાના શક્તિ સામર્થ્યથી દેશ અને સમાજની દિશા પણ બદલી શકે છે. ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણ છે જેમાં સ્ત્રીના સુવ્યવસ્થિત વહીવટથી તેણે આદર્શ રાજ્યની સ્થાપના કરી હોય. આ રીતે ઘર અને પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવતાં હું દેશ અને સમાજ પ્રત્યેનું ઋણ પણ એક આદર્શ નાગરિક બનીને અદા કરીશ. ૨૦૧૩નો આ સંકલ્પ આદર્શ નાગરિકનું ઘડતર કરશે.